કાળ કોઈને નહીં મૂકે | Kaal Koine Nahi Muke

(હરિગીત)

મોતી તણી માળા ગળામાં મૂલ્યવંતી મલકતી,
હીરાતણા શુભ હારથી બહુ કંઠકાંતિ ઝળકતી;
આભૂષણોથી ઓપતા ભાગ્યા મરણને જોઈને,
જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૧

મણિમય મુગટ માથે ધરીને કર્ણ કુંડળ નાખતા,
કાચંન કડાં કરમાં ધરી, કશીયે કચાશ ન રાખતા;
પળમા પડ્યા પૃથ્વીપતિ એ ભાન ભુતળ ખોઈને,
જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૨

દશ આંગળીમાં માંગલિક મુદ્રા જડિત માણિક્યથી,
જે પરમ પ્રેમે પે’રતા પોંચી કળા બારીકથી;
એ વેઢ વીંટી સર્વ છોડી ચાલીયા મખુ ધોઈને,
જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૩

મૂંછ વાંકડી કરી ફાંકડા થઈ લીંબુ ધરતા તે પરે,
કાપેલ રાખી કાતરા હરકોઈનાં હૈયાં હરે;
એ સાંકડીમાં આવિયા છટક્યા તજી સહુ સોઈને,
જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૪

છો ખંડના અધિરાજ જે ચંડે કરીને નિપજ્યા,
બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઉપજ્યાં;
એ ચતુર ચક્રી ચાલીયા હોતા નહોતા હોઈને,
જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૫

જે રાજનીતિનિપુણતામાં ન્યાયવંતા નીવડ્યા,
અવળા કર્યે જેના બધા સવળા સદા પાસા પડયા;
એ ભાગ્યશાળી ભાગિયા તે ખટપટો સૌ ખોઈને,
જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૬

તરવાર બહાદૂર ટેકધારી પૂર્ણતામાં પેખિયા,
હાથી હણે હાથે કરી એ કેશરી સમ દેખિયા;
એવા ભલા ભડવીર તે અંતે રહેલા રોઈને,
જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૭

Artist : શ્રીમદ્દ રાજચંદ્ર