શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા| श्री जैन सिद्धांत प्रवेशिका

પ્રથમ અધ્યાય| प्रथम अध्याय

૧ પ્ર. દ્રવ્ય કોને કહે છે?
ઉ. ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે.

૨ પ્ર. ગુણ કોને કહે છે ?
ઉ. દ્રવ્યના પૂરા ભાગમાં અને તેની સર્વ હાલતોમાં (અવસ્થામાં) જે રહે, તેને ગુણ કહે છે.

૩ પ્ર. ગુણના કેટલા ભેદ છે ?
ઉ. બે છે :– એક સામાન્ય, બીજો વિશેષ.

૪ પ્ર. સામાન્યગુણ કોને કહે છે ?
ઉ. જે સર્વ દ્રવ્યોમાં વ્યાપે, તેને સામાન્યગુણ કહે છે.

૫ પ્ર. વિશેષગુણ કોને કહે છે ?
ઉ. જે સર્વ દ્રવ્યોમાં ન વ્યાપે, તેને વિશેષગુણ કહે છે.

૬પ્ર. સામાન્યગુણ કેટલા છે ?
ઉ. અનેક છે, પણ તેમાં છ ગુણ મુખ્ય છે. જેમ કે :– અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ અને પ્રદેશત્વ.

૭ પ્ર. અસ્તિત્વગુણ કોને કહે છે ?
ઉ. જે શક્તિના કારણે દ્રવ્યનો કદી નાશ ન થાય, તેને અસ્તિત્વગુણ કહે છે.

૮ પ્ર. વસ્તુત્વગુણ કોને કહે છે ?
ઉ. જે શક્તિના કારણથી દ્રવ્યમાં અર્થક્રિયા હોય; તેને વસ્તુત્વગુણ કહે છે; જેમકે ઘડાની અર્થક્રિયા જલધારણ છે.

૯ પ્ર. દ્રવ્યત્વગુણ કોને કહે છે ?
ઉ. જે શક્તિના કારણથી દ્રવ્ય સદા એક સરખાં ન રહે અને જેની પર્યાયો (હાલતો) હમેશાં બદલાતી રહે.

૧૦ પ્ર. પ્રમેયત્વગુણ કોને કહે છે ?
ઉ. જે શક્તિના કારણથી દ્રવ્ય કોઈને કોઈ જ્ઞાનનો વિષય હોય, તેને પ્રમેયત્વગુણ કહે છે.

૧૧ પ્ર. અગુરુલઘુત્વગુણ કોને કહે છે ?
ઉ. જે શક્તિના કારણથી દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે, અર્થાત્ એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે ન પરિણમે અથવા એક ગુણ બીજા ગુણરૂપે ન પરિણમે તથા એક દ્રવ્યના અનેક અથવા અનન્તગુણ વિખરાઈને જુદા જુદા ન થઈ જાય, તેને અગુરુલઘુત્વગુણ કહે છે.

૧૨ પ્ર. પ્રદેશત્વગુણ કોને કહે છે ?
ઉ. જે શક્તિના કારણથી દ્રવ્યનો કોઈપણ આકાર અવશ્ય હોય.

૧૩ પ્ર. દ્રવ્યના કેટલા ભેદ છે ?
ઉ. છ ભેદ છે : જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ.

૧૪ પ્ર. જીવદ્રવ્ય કોને કહે છે ?
ઉ. જેમાં ચેતના ગુણ પ્રાપ્ત હોય, તેને જીવદ્રવ્ય કહે છે.

૧૫ પ્ર. પુદ્ગલદ્રવ્ય કોને કહે છે ?
ઉ. જેમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ હોય.

૧૬ પ્ર. પુદ્ગલ દ્રવ્યના કેટલા ભેદ છે ?
ઉ. બે ભેદ છે :એક પરમાણુ, બીજો સ્કંધ.

૧૭ પ્ર. પરમાણુ કોને કહે છે ?
ઉ. સર્વથી નાના પુદ્ગલને પરમાણુ કહે છે.

૧૮ પ્ર. સ્કંધ કોને કહે છે ?
ઉ. અનેક પરમાણુઓનાં બંધને સ્કંધ કહે છે.

૧૯ પ્ર. બંધ કોને કહે છે ?
ઉ. અનેક ચીજોમાં એકપણાનું જ્ઞાન કરાવવાવાળા સંબંધવિશેષને બંધ કહે છે.

૨૦ પ્ર. સ્કંધના કેટલા ભેદ છે ?
ઉ. આહારવર્ગણા, તૈજસવર્ગણા, ભાષાવર્ગણા,

મનોવર્ગણા, કાર્માણવર્ગણા વગેરે બાવીસ ભેદ છે.

૨૧ પ્ર. આહારવર્ગણા કોને કહે છે ?

ઉ. ઔદારિક, વૈક્રિયિક અને આહારક, એ ત્રણ શરીરરૂપ જે પરિણમે, તેને આહારવર્ગણા કહે છે.

૨૨ પ્ર. ઔદારિક શરીર કોને કહે છે ?
ઉ. મનુષ્ય તિર્યંચના સ્થૂળ શરીરને ઔદારિક શરીર કહે છે.

૨૩ પ્ર. વૈક્રિયિક શરીર કોને કહે છે ?
ઉ. જે નાના, મોટા, એક, અનેક વગેરે જુદા જુદા પ્રકારની ક્રિયાઓ કરે એવાં દેવો અને નારકીઓનાં શરીરને વૈક્રિયિક શરીર કહે છે.

૨૪ પ્ર. આહારક શરીર કોને કહે છે ?
ઉ. છઠ્ઠા ગુણસ્થાનવર્તી મુનિને તત્વોમાં કોઈ શંકા ઉત્પન્ન થયેથી કેવળી અથવા શ્રુતકેવળીની સમીપ જવાને માટે મસ્તકમાંથી જે એક હાથનું પુતળું નીકળે છે, તેને આહારક શરીર કહે છે.

૨૫ પ્ર. તૈજસવર્ગણા કોને કહે છે ?
ઉ. ઔદારિક અને વૈક્રિયિક શરીરને કાંતિ આપવાવાળું તૈજસ શરીર જે વર્ગણાથી બને, તેને તૈજસ-વર્ગણા કહે છે.

૨૬ પ્ર. ભાષાવર્ગણા કોને કહે છે ?
ઉ. જે શબ્દરૂપ પરિણમે, તેને ભાષાવર્ગણા કહે છે.

૨૬(અ) પ્ર. મનોવર્ગણા કોને કહે છે ?
ઉ. જે વર્ગણા મનરૂપે પરિણમે, તેને મનોવર્ગણા કહે છે.

૨૭ પ્ર. કાર્માણવર્ગણા કોને કહે છે ?
ઉ. જે કાર્માણ શરીરરૂપ પરિણમે, તેને કાર્માણવર્ગણા કહે છે.

૨૮ પ્ર. કાર્માણ શરીર કોને કહે છે ?
ઉ. જ્ઞાનાવરણ આદિ આઠ કર્મોના સમૂહને કાર્માણ શરીર કહે છે.

૨૯ પ્ર. તૈજસ અને કાર્માણ શરીર કોને હોય છે ?
ઉ. સર્વ સંસારી જીવોને તૈજસ અને કાર્માણ શરીર હોય છે.

૩૦ પ્ર. ધર્મ દ્રવ્ય કોને કહે છે ?
ઉ. સ્વયં ગતિરૂપ પરિણત જીવ અને પુદ્ગલોને ગમન કરતી વખતે જે નિમિત્ત (ઉદાસીનપણે હાજર) હોય તેને ધર્મ દ્રવ્ય કહે છે. જેમકે- માછલીને માટે પાણી.

૩૧ પ્ર. અધર્મ દ્રવ્ય કોને કહે છે?
ઉ. સ્વયં ગતિપૂર્વક સ્થિતિ પરિણામને પ્રાપ્ત થયેલા જીવ અને પુદ્ગલને સ્થિર થતી વખતે જે નિમિત્ત (ઉદાસીનપણે હાજર) હોય તેને અધર્મ દ્રવ્ય કહે છે. જેમકે સ્થિર થવા ઇચ્છનાર મુસાફરને માટે ઝાડનો છાંયો

૩૨ પ્ર. આકાશદ્રવ્ય કોને કહે છે ?
ઉ. જે જીવાદિક પાંચે દ્રવ્યોને રહેવાને માટે જગ્યા આપે.

૩૩ પ્ર. કાળ દ્રવ્ય કોને કહે છે ?
ઉ. પોતપોતાની અવસ્થારૂપે સ્વયં પરિણમતા જીવાદિક દ્રવ્યોને પરિણમન વખતે જે નિમિત્ત (ઉદાસીન જર) હોય, તેને કાળદ્રવ્ય કહે છે. જેમ કે - કુંભારના ચાકને ફરવા ટાણે લોઢાનો ખીલો.

૩૪ પ્ર. કાળના કેટલા ભેદ છે ?
ઉ. બે છે : એક નિશ્ચયકાળ, બીજો વ્યવહારકાળ.

૩૫ પ્ર. નિશ્ચયકાળ કોને કહે છે ?
ઉ. કાળદ્રવ્યને નિશ્ચયકાળ કહે છે.

૩૬ પ્ર. વ્યવહારકાળ કોને કહે છે ?
ઉ. કાળદ્રવ્યની ઘડી, દિવસ, માસ આદિ પર્યાયોને વ્યવહારકાળ કહે છે.

૩૭ પ્ર. પર્યાય કોને કહે છે ?
ઉ. ગુણના વિશેષ કાર્યને (પરિણામને) પર્યાય કહે છે.

૩૮ પ્ર. પર્યાયના કેટલા ભેદ છે ?
ઉ. બે છે : વ્યંજનપર્યાય અને અર્થપર્યાય.

૩૯ પ્ર. વ્યંજનપર્યાય કોને કહે છે ?
ઉ. પ્રદેશત્વ ગુણના વિકારને વ્યંજનપર્યાય કહે છે.

૪૦ પ્ર. વ્યંજનપર્યાયના કેટલા ભેદ છે ?
ઉ. બે છે : સ્વભાવવ્યંજનપર્યાય અને વિભાવવ્યંજન-પર્યાય.

૪૧ પ્ર. સ્વભાવવ્યંજનપર્યાય કોને કહે છે?
ઉ. બીજાના નિમિત્ત વિના જે વ્યંજનપર્યાય હોય, જેમકે- જીવની સિદ્ધપર્યાય.

૪૨ પ્ર. વિભાવવ્યંજનપર્યાય કોને કહે છે ?
ઉ. બીજાના નિમિત્તથી જે વ્યંજનપર્યાય હોય, જેમકે- જીવની મનુષ્ય-નારકાદિ પર્યાય.

૪૩ પ્ર. અર્થપર્યાય કોને કહે છે ?
ઉ. પ્રદેશત્વ ગુણના સિવાય અન્ય સમસ્ત ગુણોના વિકારને અર્થપર્યાય કહે છે

૪૪પ્ર. અર્થપર્યાયના કેટલા ભેદ છે ?
ઉ. બે છે: સ્વભાવઅર્થપર્યાય અને વિભાવઅર્થપર્યાય.

૪૫ પ્ર. સ્વભાવઅર્થપર્યાય કોને કહે છે ?
ઉ. બીજાના નિમિત્ત વિના જે અર્થપર્યાય હોય, તેને સ્વભાવઅર્થપર્યાય કહે છે. જેમકે- જીવનું કેવળજ્ઞાન.

૪૬ પ્ર. વિભાવઅર્થપર્યાય કોને કહે છે ?
ઉ. બીજાના નિમિત્તથી જે અર્થપર્યાય હોય, તેને વિભાવઅર્થપર્યાય કહે છે. જેમકે- જીવના રાગ, દ્વેષ આદિ.

૪૭ પ્ર. ઉત્પાદ કોને કહે છે ?
ઉ. દ્રવ્યમાં નવીન પર્યાયની પ્રાપ્તિને ઉત્પાદ કહે છે.

૪૮ પ્ર. વ્યય કોને કહે છે ?
ઉ. દ્રવ્યના પૂર્વ પર્યાયના ત્યાગને વ્યય કહે છે.

૪૯ પ્ર. ધ્રૌવ્ય કોને કહે છે ?
ઉ. પ્રત્યભિજ્ઞાનના કારણભૂત દ્રવ્યની કોઈ પણ અવસ્થાની નિત્યતાને ધ્રૌવ્ય કહે છે.

3 Likes