ત્રિશલા માતાના રાજમહેલમાં | Tirshla matana raajmahlema(Gujarati bhajan)

ત્રિશલા માતાના રાજમહેલમાં

માતા મારી મોક્ષસાધિકા
ધન્ય ધન્ય છે તુજને,
તુજ હૈયાની મીઠી આશિષ,
વહાલી લાગે મુજને,
માતા ! દરશન તારા રે…
જગતને આનંદ દેનારા… …1

બેટા, તારો અદ્ભુત મહિમા
સમ્યક્ હીરલે શોભે…
તારા દર્શન કરતાં ભવ્યો,
મોહનાં બંધન તોડે…
બેટા! જન્મ તુમારો રે
જગતનું મંગલ કરનારો… .2

માતા ! તારી વાણી મીઠી,
જાણે ફૂલડાં ખરાં…
તારા હૈડે હેત-ફૂવારા,
ઝરમર-ઝરમર ઝરતાં…
માતા ! દર્શન તારા રે…
જગતને આનંદ દેનારા…૩

તારી વાણી સુણતાં ભવ્યો,
મુક્તિ પંથે દોડે…
ચેતનરસનો સ્વાદ ચાખે,
ત્યાં રાજપાટ સબ છોડે…
બેટા! જન્મ તુમારો રે,
જગતનું મંગલ કરનારો… …૪

જાગે ભાવના માતા મુજને
ક્યારે બનું વીરાગી…
બંધન તોડી રાગતાં સૌ,
બનું પરિગ્રહ-ત્યાગી…
માતા! દરશન તારા રે
જગતને આનંદ દેનારા…૫

બેટા, તું તો પાંચ વરસનો,
પણ ગંભીરતા ભારી…
ગૃહવાસી પણ તું તો ઉદાસી,
દશા મોહથી ન્યારી…
બેટા! જન્મ તુમારો રે
જગતનું મંગલ કરનારો…6

માતા! તું તો છેલ્લી માતા,
માત બીજી નહિ થાશે,
રત્નત્રયથી કેવળ લેતાં
જન્મ-મરણ દૂર જાશે…
માતા! દરશન તારા રે
જગતને આનંદ કરનારા…7

બેટા, તું તો જગમાં ઉત્તમ
આત્મ-જીવન જીવનારો…
દિવ્યધ્વનિનો સંદેશ દઈને,
મુક્તિમાર્ગ ખોલનારો…
બેટા, ધર્મ તુમારો રે
જગતનું મંગલ કરનારો… …૮

માતા! મુક્તિ મારગ ખુલ્લો
ભવ્યો ચાલ્યા આવે
ભરતક્ષેત્રમાં જયવંત શાસન,
આનંદમંગલ આપે…
માતા! દરશન તારા રે
જગતને આનંદ દેનારા…૯

વર્ધમાન તું સાચો બેટા,
ધર્મ વૃદ્ધિ કરનારો…
મહાવીર પણ સાચો તું છો,
મોહમલ્લ જીતનારો…
બેટા! ધર્મ તુમ્હારો રે…
જગતનું મંગલ કરનારો… …૧૦

માતા, કરું નિજધર્મની વૃદ્ધિ,
પરમાતમ પદ પામું,
જીવ બધા જિનધર્મને પામો…
એવી ભાવના ભાવું…
માતા! દરશન તારા રે
જગતને આનંદ દેનારા…11

બેટા, જગમાં ધર્મની વૃદ્ધિ
થાશે તારા પ્રતાપે,
જે ચાલે તુજ પગલે-પગલે,
મોક્ષપુરીમાં આવે બેટા!
ધર્મ તમારો રે
જગતને આનંદ દેનારો…12

માતા ! અનુભૂતિ-ચેતનની
અતિશય મુજને વહાલી,
અનુભૂતિમાં આનંદ ઉલ્લસે,
એની જાત જ ન્યારી…
માતા! દરશન તારા રે
જગતને આનંદ દેનારા… ૧૩

બેટા, તું તો સ્વાનુભૂતિની
મસ્તીમાં નિત મ્હાલે…
હીંચોળું હીરલાની દોરે,
ઉરનાં વહાલે-વહાલે…
બેટા, જન્મ તમારો રે
જગતને આનંદ દેનારો. ૧૪

Lyricist: બ્ર. હરિલાલ જૈન