શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર | Shri Aatmasiddhi Shashtra

શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર

જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત;
સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરૂ ભગવંત. ૧

વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ;
વિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોપ્ય. ૨

કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઇ;
માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઇ. ૩

બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર ભેદ ન કાંઇ;
જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રીયાજડ આંઇ. ૪

બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહી;
વર્તે મોહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંહી. ૫

વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન;
તેમજ આતમજ્ઞાનની, પ્રાપ્તિતણાં નિદાન. ૬

ત્યાગ-વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન;
અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજભાન. ૭

જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ;
ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. ૮

સેવે સદ્દગુરૂ ચરણને, ત્યાગી દઇ નિજપક્ષ;
પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ. ૯

આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ;
અપૂર્વ વાણી પરમશ્રુત, સદ્દગુરૂ લક્ષણ યોગ્ય. ૧૦

પ્રત્યક્ષ સદ્દગુરૂ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર;
એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. ૧૧

સદ્દગુરૂના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ;
સમજ્યા વણ ઉપકાર શો ? સમજ્યે જિનસ્વરૂપ. ૧૨

આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર;
પ્રત્યક્ષ સદ્દગુરૂ યોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર. ૧૩

અથવા સદ્દગુરૂએ કહ્યાં, જે અવગાહન કાજ;
તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. ૧૪

રોકે જીવ સ્વચ્છંદ તો, પામે અવશ્ય મોક્ષ;
પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. ૧૫

પ્રત્યક્ષ સદ્દગુરૂ યોગથી, સ્વછંદ તે રોકાય;
અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય. ૧૬

સ્વચ્છંદ મત આગ્રહ તજી, વર્તે સદ્દગુરૂ લક્ષ;
સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. ૧૭

માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય;
જાતાં સદ્દગુરૂ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. ૧૮

જે સદ્દગુરૂ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન;
ગુરૂ રહ્યા છડ્મસ્થ પણ, વિનય કરે ભગવાન.૧૯

એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ;
મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઇ સુભાગ્ય. ૨૦

અસદ્દગુરૂ એ વિનયનો, લાભ લહે જો કાંઇ;
મહામોહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી. ૨૧

હોય મુમુક્ષુ જીવ તે , સમજે એહ વિચાર;
હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર. ૨૨

હોય મતાર્થી તેહને, થાય ન આતમલક્ષ;
તેહ મતાર્થી લક્ષણો, અહીં કહ્યાં નિર્પક્ષ. ૨૩

મતાર્થી લક્ષણ

બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરૂ સત્ય;
અથવા નિજકુળધર્મના, તે ગુરૂમાં જ મમત્વ. ૨૪

જે જિનદેહ પ્રમાણ ને,સમવસરણાદિ સિદ્ધિ;
વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ. ૨૫

પ્રત્યક્ષ સદ્દગુરૂયોગમાં, વર્તે દ્રષ્ટિ વિમુખ;
અસદ્દગુરૂને દ્રઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. ૨૬

દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન;
માને નિજ મત વેષનો, આગ્રહ મુક્તિનિદાન. ૨૭

લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત-અભિમાન;
ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન. ૨૮

અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય;
લોપે સદવ્યવહારને, સાધન રહિત થાય. ૨૯

જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા ન કાંઇ;
પામે તેનો સંગ જે, તે બૂડે ભવમાંહી. ૩૦

એ પણ જીવ મતાર્થમાં, નિજમાનાદિ કાજ;
પામે નહિ પરમાર્થને, અન્-અધિકારીમાં જ. ૩૧

નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય;
સરળપણું ન મધ્યસ્થતા, તે મતાર્થી દુર્ભાગ્ય. ૩૨

લક્ષણ કહ્યાં મતાર્થીનાં, મતાર્થ જાવા કાજ;
હવે કહું આત્માર્થીના, આત્મ-અર્થ સુખસાજ. ૩૩

આત્માર્થી લક્ષણ

આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરૂ હોય;
બાકી કુળગુરૂ કલ્પના, આત્માર્થી નહિ જોય. ૩૪

પ્રત્યક્ષ સદ્દગુરૂ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર;
ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. ૩૫

એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ;
પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત. ૩૬

એમ વિચારી અંતરે, શોધે સદ્દગુરૂ યોગ;
કામ એક આત્માર્થનું, બીજો નહિ મનરોગ. ૩૭

કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ;
ભવે ખેદ પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ. ૩૮

દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ;
મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. ૩૯

આવે જ્યાં એવી દશા, સદ્દગુરૂબોધ સુહાય;
તે બોધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. ૪૦

જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન;
જે જ્ઞાને ક્ષય મોહ થઇ, પામે પદ નિર્વાણ. ૪૧

ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય;
ગુરૂશિષ્ય સંવાદથી, ભાખું ષટ્પદ આંહિ. ૪૨

ષટ્પદનામકથન

’આત્મા છે’,
’તે નિત્ય છે’
’છે કર્તા નિજકર્મ’,
’છે ભોક્તા’,
’વળી મોક્ષ છે’
’મોક્ષ ઉપાય સુધર્મ’ ૪૩

ષટ્સ્થાનક સંક્ષેપમાં, ષટ્દર્શન પણ તેહ;
સમજાવ્યા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ. ૪૪

(૧) શંકા - શિષ્ય ઉવાચ
(આત્માના હોવાપણારૂપ પ્રથમ સ્થાનકની શિષ્ય શંકા કહે છે)

નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ;
બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવસ્વરૂપ. ૪૫

અથવા દેહ જ આતમા, અથવા ઇન્દ્રિય પ્રાણ;
મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ. ૪૬

વળી જો આત્મા હોય તો, જણાય તે નહિ કેમ?
જણાય જો તે હોય તો, ઘટ પટ આદિ જેમ. ૪૭

માટે છે નહિ આતમા, મિથ્યા મોક્ષ ઉપાય;
એ અંતર શંકાતણો, સમજાવો સદુપાય. ૪૮

(૧) સમાધાન- સદ્દગુરૂ ઉવાચ
(આત્મા છે, એમ સદ્દગુરૂ સમાધાન કરે છે)

ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન;
પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ૪૯

ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન;
પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન. ૫૦

જે દ્રષ્ટા છે દૃષ્ટિનો, જે જાણે છે રૂપ;
અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. ૫૧

છે ઈન્દ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન;
પાંચ ઈંદ્રીના વિષયનું, પણ આત્માને ભાન. ૫૨

દેહ ન જાણે તેહને, જાણે ન ઈંદ્રી, પ્રાણ;
આત્માની સત્તાવડે, તેહ પ્રવર્તે જાણ. ૫૩

સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય;
પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય. ૫૪

ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન;
જાણનાર તે માન નહિ, કહીએ કેવું જ્ઞાન? ૫૫

પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થળ દેહ મતિ અલ્પ;
દેહ હોય જો આતમા, ઘટે ન આમ વિકલ્પ. ૫૬

જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ;
એક્પણું પામે નહીં, ત્રણે કાળ દ્વય ભાવ. ૫૭

આત્માની શંકા કરે, આત્મા પોતે આપ;
શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ. ૫૮

(૨) શંકા -શિષ્ય ઉવાચ
(આત્મા નિત્ય નથી, એમ શિષ્ય કહે છે)

આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર;
સંભવ તેનો થાય છે, અંતર કર્યે વિચાર. ૫૯

બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ;
દેહયોગથી ઊપજે, દેહવિયોગે નાશ. ૬૦

અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય;
એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. ૬૧

(૨) સમાધાન-સદ્દગુરૂ ઉવાચ
(આત્મા નિત્ય છે, એમ સદ્દગુરૂ સમાધાન કરે છે)

દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દૃશ્ય;
ચેતનના ઉત્પત્તિ લય, કોનો અનુભવ વશ્ય? ૬૨

જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન;
તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન. ૬૩

જે સંયોગો દેખિયે, તે તે અનુભવ દૃશ્ય;
ઊપજે નહિ સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. ૬૪

જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય;
એવો અનુભવ કોઇને, ક્યારે કદી ન થાય. ૬૫

કોઇ સંયોગોથી નહિ, જેની ઉત્પત્તિ થાય;
નાશ ન તેનો કોઇમાં, તેથી નિત્ય સદાય. ૬૬

ક્રોધાદિ તરતમ્યતા, સર્પાદિકની માંય;
પૂર્વજન્મ-સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય. ૬૭

આત્મા દ્રવ્યે નિત્ય છે, પર્યાયે પલટાય;
બાળાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. ૬૮

અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર;
વદનારો તે ક્ષણિક નહિ,કર અનુભવ નિર્ધાર. ૬૯

ક્યારે કોઇ વસ્તુનો, કેવળ હોય ન નાશ;
ચેતન પામે નાશ તો, કેમાં ભળે તપાસ? ૭૦

(૩) શંકા - શિષ્ય ઉવાચ
(આત્મા કર્મનો કર્તા નથી, એમ શિષ્ય કહે છે)

કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ;
અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ. ૭૧

આત્મા સદા અસંગ ને ,કરે પ્રકૃતિ બંધ;
અથવા ઈશ્વરપ્રેરણા, તેથી જીવ અબંધ. ૭૨

માટે મોક્ષ ઉપાયનો, કોઇ ન હેતુ જણાય;
કર્મતણું કર્તાપણું, કાં નહિ, કાં નહિ જાય. ૭૩

(૩) સમાધાન-સદ્દગુરૂ ઉવાચ
(કર્મનું કર્તાપણું આત્માને જે પ્રકારે છે તે પ્રકારે સદ્દગુરૂ સમાધાન કરે છે)

હોય ન ચેતનપ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ?
જડસ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. ૭૪

જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ;
તેથી સહજ સ્વભાવ નહિ, તેમજ નહિ જીવધર્મ. ૭૫

કેવળ હોત અસંગ જો, ભાસત તને ન કેમ?
અસંગ છે પરમાર્થથી, પણ નિજભાને તેમ. ૭૬

કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ;
અથવા પ્રેરક તે ગણ્યે, ઈશ્વર દોષપ્રભાવ. ૭૭

ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ;
વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ. ૭૮

(૪) શંકા - શિષ્ય ઉવાચ
(તે કર્મનું ભોકતાપણું જીવને નહીં હોય ? એમ શિષ્ય કહે છે)

જીવ કર્મ કર્તા કહો, પણ ભોક્તા નહિ સોય;
શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હોય? ૭૯

ફળદાતા ઈશ્વર ગણ્યે, ભોક્તાપણું સધાય;
એમ કહ્યે ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય. ૮૦

ઈશ્વર સિદ્ધ થયા વિના, જગત નિયમ નહિ હોય;
પછી શુભાશુભ કર્મનાં, ભોગ્યસ્થાન નહિ કોય. ૮૧

(૪) સમાધાન-સદ્દગુરૂ ઉવાચ
(જીવને પોતાનાં કરેલાં કર્મનું ભોક્તાપણું છે, એમ સદ્દગુરૂ સમાધાન કરે છે)

ભાવકર્મ નિજકલ્પના, માટે ચેતનરૂપ;
જીવવીર્યની સ્ફુરણા, ગ્રહણ કરે જડધૂપ. ૮૨

ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય;
એમ શુભાશુભ કર્મનું, ભોક્તાપણું જણાય. ૮૩

એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ;
કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેદ્ય. ૮૪

ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂર;
કર્મ સ્વભાવે પરિણમે, થાય ભોગથી દૂર. ૮૫

તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ;
ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ. ૮૬

(૫) શંકા - શિષ્ય ઉવાચ
(જીવનો તે કર્મથી મોક્ષ નથી, એમ શિષ્ય કહે છે)

કર્તા ભોક્તા જીવ હો, પણ તેનો નહિ મોક્ષ;
વીત્યો કાળ અનંત પણ, વર્તમાન છે દોષ. ૮૭

શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિમાંય;
અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિત ન ક્યાંય. ૮૮

૫. સમાધાન-સદ્દગુરૂ ઉવાચ
(તે કર્મથી જીવનો મોક્ષ થઈ શકે છે, એમ સદ્દગુરૂ સમાધાન કરે છે)

જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણ;
તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ. ૮૯

વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ;
તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. ૯૦

દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ;
સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ. ૯૧

(૬) શંકા - શિષ્ય ઉવાચ
(મોક્ષનો ઉપાય નથી, એમ શિષ્ય કહે છે)

હોય કદાપિ મોક્ષપદ, નહિ અવિરોધ ઉપાય;
કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય? ૯૨

અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક;
તેમાં મત સાચો કયો, બને ન એહ વિવેક. ૯૩

કઇ જાતિમાં મોક્ષ છે, કયા વેષમાં મોક્ષ;
એનો નિશ્ચય ના બને,ઘણા ભેદ એ દોષ. ૯૪

તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય;
જીવાદિ જાણ્યા તણો, શો ઉપકાર જ થાય? ૯૫

પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાંગ;
સમજું મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદ્દભાગ્ય. ૯૬

(૬) સમાધાન-સદ્દગુરૂ ઉવાચ
(મોક્ષનો ઉપાય છે, એમ સદ્દગુરૂ સમાધાન કરે છે)

પાંચે ઉત્તરની થઇ, આત્મા વિષે પ્રતીત;
થાશે મોક્ષોપાયની, સહજ પ્રતીત એ રીત. ૯૭

કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ;
અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. ૯૮

જે જે કારણ બંધનાં, તેહ બંધનો પંથ;
તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત. ૯૯

રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ;
થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. ૧૦૦

આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત;
જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત. ૧૦૧

કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્યે આઠ;
તેમાં મુખ્યે મોહનીય, હણાય તે કહું પાઠ. ૧૦૨

કર્મ મોહનીય ભેદ બે દર્શન ચારિત્ર નામ;
હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. ૧૦૩

કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ;
પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ? ૧૦૪

છોડી મત દર્શનતણો, આગ્રહ તેમ વિકલ્પ;
કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ.૧૦૫

ષટ્પદનાં ષટ્પ્રશ્ન તેં, પૂછ્યાં કરી વિચાર;
તે પદની સર્વાંગતા, મોક્ષમાર્ગ નિર્ધાર. ૧૦૬

જાતિ, વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય;
સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય. ૧૦૭

કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ;
ભવે ખેદ, અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ. ૧૦૮

તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્દગુરૂ બોધ;
તો પામે સમકિતને, વર્તે અંતરશોધ. ૧૦૯

મત દર્શન આગ્રહ તજી, વર્તે સદ્દગુરૂલક્ષ;
લહે શુદ્ધ સમકિત તે, જેમાં ભેદ ન પક્ષ. ૧૧૦

વર્તે નિજ સ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત;
વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત. ૧૧૧

વર્ધમાન સમકિત થઇ, ટાળે મિથ્યાભાસ;
ઉદય થાય ચરિત્ર્યનો, વીતરાગપદ વાસ. ૧૧૨

કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન;
કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. ૧૧૩

કોટી વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં શમાય;
તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. ૧૧૪

છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ;
નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. ૧૧૫

એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ;
અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૧૬

શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ;
બીજું કહીએ કેટલું ? કર વિચાર તો પામ. ૧૧૭

નિશ્ચય સર્વ જ્ઞાનીનો,આવી અત્ર સમાય;
ધરી મૌનતા એમ કહી, સહજ સમાધિ માંય. ૧૧૮

શિષ્ય : બોધબીજ પ્રાપ્તિ કથન

સદ્દગુરૂના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન;
નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ૧૧૯

ભાસ્યું નિજસ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ;
અજર અમર અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ. ૧૨૦

કર્તા ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય;
વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્તા ત્યાંય. ૧૨૧

અથવા નિજપરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ;
કર્તા ભોક્તા તેહનો, નિર્વિકલ્પ સ્વરૂપ. ૧૨૨

મોક્ષ કહ્યો નિજશુદ્ધતા, તે પામે તે પંથ;
સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિર્ગ્રંથ. ૧૨૩

અહો! અહો! શ્રી સદ્દગુરૂ, કરુણાસિંધુ અપાર;
આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર. ૧૨૪

શું પ્રભુચરણ કને ધરું? આત્માથી સૌ હીન;
તે તો પ્રભુએ આપિયો, વર્તું ચરણાધીન. ૧૨૫

આ દેહાદિ આજથી, વર્તો પ્રભુ આધીન;
દાસ, દાસ, હું દાસ છું,તેહ પ્રભુનો દીન. ૧૨૬

ષટ્ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ;
મ્યાન થકી તરવારવત્, એ ઉપકાર અમાપ. ૧૨૭

ઉપસંહાર

દર્શન ષટે સમાય છે, આ ષટ્ સ્થાનક માંહી;
વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઇ. ૧૨૮

આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્દગુરૂ વૈદ્ય સુજાણ;
ગુરૂ આજ્ઞા સમ પથ્ય નહિ,ઓષધ વિચાર ધ્યાન. ૧૨૯

જો ઈચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ;
ભવસ્થિતિ આદિ નામ લઇ, છેદો નહિ આત્માર્થ. ૧૩૦

નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નો’ય;
નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય. ૧૩૧

નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ;
એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથ રહેલ. ૧૩૨

ગચ્છમતની જે કલ્પના, તે નહિ સદ્દવ્યવહાર;
ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહિ સાર. ૧૩૩

આગળ જ્ઞાની થઇ ગયા, વર્તમાનમાં હોય;
થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ કોય. ૧૩૪

સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય;
સદ્દગુરૂઆજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય. ૧૩૫

ઉપાદાનનું નામ લઇ, એ જે તજે નિમિત્ત;
પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. ૧૩૬

મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ્યો ન મોહ ;
તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રોહ. ૧૩૭

દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય;
હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. ૧૩૮

મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત;
તે કહીએ જ્ઞાનીદશા, બાકી કહીએ ભ્રાંત. ૧૩૯

સકળ જગત તે એઠવત્ ,અથવા સ્વપ્ન સમાન;
તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન, ૧૪૦

સ્થાનક પાંચ વિચારીને, છઠ્ઠે વર્તે જેહ;
પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ. ૧૪૧

દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત;
તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. ૧૪૨

Artist : શ્રીમદ્દ રાજચંદ્ર

2 Likes