મૂળ મારગ સાંભળો જિનનો રે | Mool Marag Sambhalo JinNo Re| मूल मारग सांभलो (सुनो)

મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળ●
નો’ય પૂજાદિની જો કામના રે, નો’ય વ્હાલું અંતર ભવદુઃખ. મૂળ● ૧

કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જિનસિદ્ધાંત, મૂળ●
માત્ર કહેવું પરામરથ હેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત. મૂળ● ૨

જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ, મૂળ●
જિન મારગ તે પરમર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુધ. મૂળ● ૩

લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, મૂળ●
પણ જ્ઞાનદીની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ. મૂળ● ૪

હવે જ્ઞાન દર્શનાદિ શબ્દનો રે, સંક્ષેપે સુણો પરમાર્થ, મૂળ●
તેને જોતા વિચારી વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્માર્થ. મૂળ● ૫

છે દેહાદીથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ, મૂળ●
એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ● ૬

જે જ્ઞાને કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત, મૂળ●
કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત. મૂળ● ૭

જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, મૂળ●
તેવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ. મૂળ● ૮

તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ, મૂળ●
તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજસ્વરૂપ. મૂળ● ૯

એવા મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ, મૂળ●
ઉપદેશ સદ્દગુરુ નો પામવો રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. મૂળ● ૧૦

એમ દેવ જિનંદે ભખીયું રે, મોક્ષમારગ નું શુદ્ધ સ્વરૂપ, મૂળ●
ભવ્ય જનોના હિતને કારણે રે, સંક્ષેપે કહ્યું સ્વરૂપ. મૂળ● ૧૧

Artist : શ્રીમદ્ રાજચંદ્ર

3 Likes