ધર્મ વિષે | Dharma Vishe | धर्म विषे

(કવિત)
સાહ્યબી સુખદ હોય, માનતણો મદ હોય,
ખમા ખમા ખુદ હોય, તે તે કશા કામનું ?
જુવાનીનું જોર હોય, એશનો અંકોર હોય,
દોલતનો દોર હોય, એ તે સુખ નામનું;
વનિતા વિલાસ હોય, પ્રૌઢતા પ્રકાશ હોય,
દક્ષ જેવા દાસ હોય, હોય સુખ ધામનું;
વદે રાયચંદ એમ, સદ્ધધર્મ ધાર્યા વિના,
જાણી લેજે સુખ એ તો, બેએ જ બદામનું ૧

મોહ માન મોડવાને, ફેલપણું ફોડવાને,
જાળફદં તોડવાને, હેતે નિજ હાથથી;
કુમતિને કાપવાને, સુમતિને સ્થાપવાને,
મમત્વને માપવાને, સકલ સિદ્ધાંતથી;
મહા મોક્ષ માણવાને, જગદીશ જાણવાને,
અજન્મતા આણવાને, વળી ભલી ભાતથી;
અલૌકિક અનુપમ, સુખ અનુભવવાને,
ધર્મ ધારણાને ધારો, ખરેખરી ખાંતથી. ૨

દિનકર વિના જેવો દિનનો દેખાવ દીસે,
શશી વિના જેવી રીતે, શવર્રી સુહાય છે;
પ્રજાપતિ વિના જેવી પ્રજા પુરતણી પેખો,
સુરસ વિનાની જેવી, કવિતા કહાય છે;
સલિલ વિહીન જેવી, સરિતાની શોભા અને,
ભર્તાર વિહીન જેવી ભામિની ભળાય છે;
વદે રાયચંદ વીર, સદ્ધધર્મ ધાર્યા વિના,
માનવી મહાન તેમ, કુકર્મી કળાય છે. ૩

ચતુરો ચોંપેથી ચાહી ચિંતામણી ચિત્ત ગણે,
પંડિતો પ્રમાણે છે પારસમણિ પ્રેમથી;
કવિઓ કલ્યાણકારી કલ્પતરુ કથે જેને,
સુધાનો સાગર કથે, સાધુ શુભ પ્રેમથી;
આત્મના ઉદ્ધારને ઉમંગથી અનુસરો જો,
નિર્મળ થવાને કાજે, નમો નીતિ નેમથી;
વદે રાયચંદ વીર, સદ્ધધર્મ ધાર્યા વિના,
“ધર્મવૃત્તિ ધ્યાન ધરો, વિલખો ન વે’મથી”. ૪

Artist : શ્રીમદ્દ રાજચંદ્ર