ધન્ય રે દિવસ આ અહો ! । Dhanya Re Divas Aa Aho! |धन्य रे दिवस

ધન્ય રે દિવસ આ અહો,
જાગી રે શાંતિ અપૂર્વ રે ;
દશ વર્ષે રે ધારા ઊલસી,
મટ્યો ઉદયકર્મનો ગર્વ રે… ધન્ય રે

ઓગણીસસેં ને એકત્રીસે,
વ્યો અપૂર્વ અનુસાર રે;
ઓગણીસસેં ને બેતાળીસે,
અદભુત વૈરાગ્ય ધાર રે… ધન્ય રે

ઓગણીસસેં ને સુડતાળીસે,
સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે ;
શ્રુત અનુભવ વધતી દશા,
નિજ સ્વરૂપ અવભાસ્યુ રે… ધન્ય રે

ત્યાં આવ્યો રે ઉદય કારમો,
પરિગ્રહ કાર્ય પ્રપંચ રે ;
જેમ જેમ તે હડસેલીએ ,
તેમ વધે ન ઘટે એક રંચ રે… ધન્ય રે

વધતું એમજ ચલિયું ,
હવે દીસે ક્ષીણ કાંઈ રે;
ક્રમે કરીને રે તે જશે ,
એમ ભાસે મનમાંહિ રે… ધન્ય રે

યથા હેતુ જે ચિત્તનો ,
સત્ય ધર્મનો ઉદ્ધાર રે;
થશે અવશ્ય આ દેહથી,
એમ થયો નિરાધાર રે… ધન્ય રે

આવી અપૂર્વ વૃત્તિ અહો,
થશે અપ્રમત્ત યોગ રે ;
કેવળ લગભગ ભૂમિકા,
સ્પર્શીને દેહ વિયોગ રે… ધન્ય રે

અવશ્ય કર્મનો ભોગ છે,
ભોગવવો અવશેષ રે ;
તેથી દેહ એકજ ધારીને,
જાશું સ્વરૂપ સ્વદેશ રે… ધન્ય રે

Artist : શ્રીમદ્દ રાજચંદ્ર

3 Likes